*ભરૂચમાં દૂધ લેવા જતી ૧૫ વર્ષની કિશોરીનો હાથ પકડીને પાડોશીએ છેડતી કરી, પોક્સો એક્ટ હેઠળ “એ” ડિવિઝનમાં ગુનો દાખલ*ભરૂચ, ભરૂચના એક સ્લમ વિસ્તારમાં ૧૫ વર્ષની સગીરા સાથે પાડોશીએ છેડતી કરી હતી. પોલીસે આ મામલે ૩૫ વર્ષીય શખ્સ સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આ ઘટના દોઢ મહિના પહેલાની છે. સગીરા વહેલી સવારે દુકાનેથી દૂધ લેવા જતી હતી. આ સમય દરમિયાન આરોપી તેની પાછળ આવ્યો હતો. તેણે સગીરાને પકડીને તેના ખભા પર હાથ મૂક્યો હતો. આરોપીએ સગીરાનો હાથ પકડીને તેને પોતાના ઘરે આવવાનું કહ્યું હતું. આરોપી વારંવાર સગીરાનો પીછો કરતો હતો. બે દિવસ પહેલા સગીરા પોતાના ઘરેથી ચાલતી જતી હતી ત્યારે આરોપીએ ફરી એકવાર તેને પકડી લીધી હતી. તેણે સગીરાની આંખો બંધ કરી અને તેની સાથે છેડતી કરી હતી. આ ઘટના બાદ સગીરાએ પોતાના પરિવારને આ અંગે જાણ કરી હતી. પરિવારે તરત જ ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી સામે છેડતી, જાનથી મારી નાખવાની ધમકી અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.