ભરૂચમાં વિવિધ રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનોએ ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી 134મી જન્મજયંતીની ઉજવણી કરી
ભરૂચ,
ભરૂચમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ શહેરના સ્ટેશન સર્કલ ખાતે આવેલી ડૉ. બાબાસાહેબની પ્રતિમાને વિવિધ સંગઠનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા તરફથી વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને અરુણસિંહ રણા સહિતના અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રથમ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે અને પછી રેલવે સ્ટેશન સર્કલ પર એમ બે સ્થળોએ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા, ભરૂચ શહેર પ્રમુખ હરીશ પરમાર, સમસાદ અલી સૈયદ સહિતના અનેક નેતાઓએ ડૉ. બાબાસાહેબ આંબેડકરના દેશ પ્રત્યેના યોગદાનને યાદ કર્યું હતું.
બામસેફ અને ઈન્સાફના રાષ્ટ્રીય અધ્યક્ષ બેચર રાઠોડની આગેવાનીમાં મોટી સંખ્યામાં લોકોએ પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સ્વયંસેવક દળે શહેરમાં રેલીનું આયોજન કર્યું હતું, જેમાં નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો જોડાયા હતા. આ ઉપરાંત વિવિધ સામાજિક સંગઠનો અને દલિત સમાજના લોકોએ પણ ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
કેતન મહેતા, ભરૂચ