પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન હેઠળ ઊમરેઠી હિરણ ડેમના હેઠવાસ ખાતે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ અને કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં રૂ. ૮૧.૫૦ લાખના ખર્ચે નવનિર્મિત થનાર ગાર્ડન સહિતના ત્રિવિધ કામોનું આજે સવારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ ખાતમુહૂર્તના ત્રિવિધ કાર્યોમાં રૂ.૪૨.૪૮ લાખના ખર્ચે હિરણ-૨ ડેમની પાસે ડેવલપમેન્ટ ઓફ ગાર્ડન એન્ડ પ્રી પ્લાન્ટેશન વર્ક ફોર એન્વાયર્ન્મેન્ટલ પ્રોટેક્શનની કામગીરી, રૂ.૨૨.૩૨ લાખના ખર્ચે કોડિદ્રા ગામે સ્મશાનની બાજુમાં ચેકડેમ કમ પ્રોટેક્સન વોલ અને રૂ.૧૬.૫૦ લાખના ખર્ચે સીલોજ ચેકડેમ કમ કોઝ-વે અને પ્રાથમિક શાળાના રક્ષણ માટે પૂર સંરક્ષણ દિવાલ બનાવવાની કામગીરીનો સમાવેશ થાય છે.

આ અવસરે, તાલાલાના ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડે જણાવ્યું હતું કે, ડેમ વિસ્તારમાં ગાર્ડન ડેવલપમેન્ટનું કામ થવાના કારણે માલજિંજવા, તાલાળા, ઉમરેઠી તેમજ વેરાવળના સ્થાનિક સહિત પ્રવાસીઓ માટે હરવા-ફરવા માટેનું એક નવું સ્થળ પ્રાપ્ત થશે.

કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગીર સોમનાથ વિસ્તારમાં પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન હેઠળ જનસુખાકારીના અનેક વિકાસના કાર્યો હાથ ધરવામાં આવ્યાં છે. અહીં નવનિર્મિત થનાર ગાર્ડનના સંદર્ભમાં તેમણે કહ્યું કે, ચોમાસામાં જ્યારે ડેમ ઓવરફ્લો થશે ત્યારે એક અદભૂત સુંદર નજારો નાગરિકોને જોવા મળશે. સ્થાનિક લોકો સાથે પ્રવાસીઓ પણ આ મનોરમ્ય સ્થળની મુલાકાત લઈ આનંદ માણે એવા હેતુસર આ ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આમ કહી કલેક્ટરશ્રીએ ગાર્ડનના નિર્માણ પછી યોગ્ય જાળવણી થાય એ પણ જોવા અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, હિરણ ડેમના નીચાણવાળા વિસ્તારમાં ૪,૫૧૦ સ્ક્વેર મીટરના ગાર્ડન વિકસાવવામાં આવશે. જેમાં ચંપો, ગુલમહોર, કેસૂડો, ગુલાબી ચંપો જેવા વૃક્ષ ઉછેર સહિત ૧ ગઝીબો, ૨૬૭ સ્ક્વેર મીટરના બે લૉન ગાર્ડન, એક લૉન માઉન્ટ, ૬૦૦ સ્ક્વેર મીટરનો કિડ્સ પ્લે એરિયા, ૨૫ ફૂટ પહોળા રોડ, બેઠક વ્યવસ્થા, વિવિધ જાતના સ્કલ્પચર્સ, ૫૪૪ સ્કવેર મીટર પામ ગાર્ડન સહિત ૩૦૪૨ સ્કવેર મીટરમાં મિયાવાકી ફોરેસ્ટ વિકસાવવામાં આવશે.

આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી યોગેશ જોશી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી જેમિની ગઢિયા, નાયબ કલેક્ટર શ્રી એફ.જે.માકડા, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પારસ વાંદા, નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી આર.કે.સામાણી, ડિસ્ટ્રિક્ટ મિનરલ કો-ઓર્ડિનેટર શ્રી ભૂપતભાઈ સાંખટ સહિત જનપ્રતિનિધિઓ, અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટર મહેશ વાજા સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here