*સ્ટેમ ક્વિઝ 3.0 ગ્રાન્ડ ફિનાલેમાં ભરૂચના વિદ્યાર્થીઓનો દબદબો: સાયન્સ સીટી ખાતે યોજાયેલી સ્પર્ધામાં ટેબ્લેટ, 3D પ્રિન્ટર સહિત મોટા ઇનામો જીત્યા*ભરૂચ, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલૉજી દ્વારા આયોજિત સ્ટેમ ક્વિઝ 3.0માં ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે આયોજિત આ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી ઝોનલ કક્ષાએ પ્રથમ ચાર ક્રમાંકે આવેલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 1 ફેબ્રુઆરીના રોજ સાયન્સ સીટી અમદાવાદ ખાતે યોજાયેલી ગ્રાન્ડ ફિનાલેમાં આ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અનેક મૂલ્યવાન ઇનામો જીત્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓને ટેબ્લેટ, થ્રી ડી પ્રિન્ટર, ગૂગલ AIY વોઇસ કીટ અને ટેલિસ્કોપ જેવા આધુનિક ટેકનોલોજીના સાધનો ઇનામ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. આ સફળતા બદલ પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર, ભરૂચે તમામ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યેની રુચિ વધારવાનો અને તેમની વૈજ્ઞાનિક સૂઝને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ