*અંક્લેશ્વરમાં હત્યાનો ભેદ ઉકેલાયો: મૃતદેહને બિલ્ડિંગ પરથી ફેંકી દેનાર મધ્યપ્રદેશનો આરોપી 24 કલાકમાં ઝડપાયો*અંક્લેશ્વર, અંક્લેશ્વર શહેરમાં એક અજાણ્યા વ્યક્તિની હત્યાનો ભેદ પોલીસે માત્ર 24 કલાકમાં ઉકેલી નાખ્યો છે. 10 જાન્યુઆરી 2025ના રોજ બપોરે એક કલાક પહેલા 25થી 35 વર્ષની વયના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો હતો. શરૂઆતમાં આ કેસ અકસ્માત મોત તરીકે નોંધાયો હતો, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથાના ભાગે બોથડ પદાર્થથી થયેલી ગંભીર ઈજાઓને કારણે મૃત્યુ થયાનું સામે આવ્યું હતું. વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા અને નાયબ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ અંક્લેશ્વર ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વી.કે.ભુતિયાએ વિશેષ તપાસ ટીમ બનાવી હતી. સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી આરોપીને રાજપીપળા ચોકડી વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે મૃતકને માથાના ભાગે બોથડ પદાર્થથી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને પુરાવા નષ્ટ કરવા માટે મૃતદેહને બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દીધો હતો. આરોપીની ઓળખ રાજુ શિવલાલ સાકેત (31) તરીકે થઈ છે, જે મધ્યપ્રદેશના સિદ્ધિ જિલ્લાના જમોદી ખુર્દ ગામનો રહેવાસી છે અને મજૂરી કામ કરે છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
રિપોર્ટર:- કેતન મહેતા, અંક્લેશ્વર