ભરૂચના ભાર્ગવ સમાજ દ્વારા ભૃગુઋષિ પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી
ભરૂચ,
ભરૂચમાં ભૃગુઋષિના પ્રાગટ્ય દિવસની ભાર્ગવ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં દાંડિયાબજાર સ્થિત ભૃગુઋષિના મંદિરે સવારે 7 વાગ્યે વિદ્યાની દેવી માં સરસ્વતીની વંદના સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી, જેમાં ભૃગુઋષિની પ્રતિમાને કેસર સ્નાન કરાવવામાં આવ્યું હતું.
ત્રેતાયુગમાં ભગવાન બ્રહ્મા દ્વારા કરવામાં આવેલા યજ્ઞમાંથી વસંત પંચમીના દિવસે ભૃગુઋષિનું પ્રાગટ્ય થયું હતું. નર્મદા નદીના કિનારે વસેલા ભૃગુઋષિના નામ પરથી શહેરનું નામ ભૃગુકચ્છ પડ્યું, જે કાળક્રમે ભરૂચ તરીકે પ્રસિદ્ધ થયું. આ દિવસને ભરૂચનો સ્થાપના દિવસ પણ માનવામાં આવે છે.
હજારો વર્ષોથી ભૃગુઋષિના વંશજો ગણાતા ભાર્ગવ બ્રાહ્મણો દર વર્ષે વસંત પંચમીના દિવસે ભૃગુઋષિના પ્રાગટ્ય દિવસની ધામધૂમથી ઉજવણી કરે છે. આ વર્ષે પણ મંદિરમાં શિવાલયોની વચ્ચે બિરાજમાન ભૃગુઋષિની પ્રતિમાને કેસર સ્નાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહાપ્રસાદી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ