ભરૂચ SOGની મોટી કાર્યવાહી: ગેસ રીફીલીંગના પાંચ મોટા રેકેટનો પર્દાફાશ, 77 બોટલ સાથે સામાન જપ્ત
ભરૂચ,
ભરૂચ એસઓજી પોલીસે જિલ્લામાં ગેરકાયદેસર ગેસ રીફીલીંગના બે મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસ ઇન્સપેક્ટર એ.એ.ચૌધરી અને એ.એચ.છૈયાના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમે દહેજ વિસ્તારમાં બે અલગ-અલગ સ્થળોએથી આ રેકેટ ઝડપી પાડ્યું છે.
પ્રથમ કેસમાં, જાગેશ્વર ગામમાં આવેલી ‘શ્રી દેવ સ્ટીલ સેન્ટર’ નામની દુકાનમાંથી લહેરૂભાઈ ગોરધભાઈ ગુજજર અને તેના સાગરીત શાંતિલાલ ઉર્ફે ગોવર્ધન ભુરાલાલ ગુજ્જરને ઝડપી પાડવામાં આવ્યા. આ દુકાનમાંથી ઈન્ડિયન કંપનીની 19 કિલોની 7 બોટલો, 6 કિલોની 8 બોટલો, વિવિધ પ્રાઈવેટ કંપનીની 5 કિલોની 28 બોટલો અને અંબે કંપનીની એક બોટલ સહિત રીફીલીંગના સાધનો મળી આવ્યા.
બીજા કેસમાં, જોલવા ગામે મીલેનીયમ માર્કેટ પાસે ‘આરાધ્ય ગેસ સર્વિસ’માંથી શશી જદુ કેવટને પકડી પાડવામાં આવ્યો. અહીંથી ઈન્ડેન, ભારત ગેસ અને રિલાયન્સ કંપનીની વિવિધ ક્ષમતાની ગેસ બોટલો તેમજ રીફીલીંગના સાધનો મળી આવ્યા. બંને કેસમાં મળીને કુલ રૂ. 69,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બંને કેસમાં દહેજ અને દહેજ મરીન પોલીસ સ્ટેશનમાં BNS કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ત્રીજા કેસમાં, શાંતિનગરમાં યોગીનગર નજીક આવેલ અનુરાધા કોમ્પલેક્ષમાં ‘ચિસ્તીયા હાર્ડવેર’ નામની દુકાનમાંથી આરોપી બાબુ સિરાજ અન્સારીની ધરપકડ કરવામાં આવી. તેની પાસેથી રિલાયન્સ કંપનીની ૧૫ કિલોની બોટલો, માઇકો કંપનીની અને ભારત ગેસની ૫ કિલોની બોટલો સહિત કુલ રૂ. ૭,૩૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.
ચોથા કેસમાં, લક્ષ્મણ નગર કાલીમાતા મંદિર નજીક આરોપી સરવણકુમાર આસુરામ ખટીકની દુકાનમાંથી ભારત ગેસ કંપનીની ૧૯ કિલોની બોટલ અને લક્ષ્મી કંપનીની ૫ કિલોની બોટલ સહિત રૂ. ૫,૭૦૦નો મુદ્દામાલ મળી આવ્યો.
પાંચમા કેસમાં અંકલેશ્વર શહેરના ચંડાલ ચોકડી નજીક અમૃતા એકેડેમી સ્કૂલ પાછળ આવેલા એન-13 જય જલારામ નગરમાંથી એક આરોપી શ્રીનાથ સીતારામ સિંઘને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી પાસેથી એક 14 કિલોની અને એક 4 કિલોની ગેસ બોટલ, રીફીલીંગ માટેની પાઇપ અને ઇલેક્ટ્રિક વજન કાંટો મળી આવ્યા હતા. કુલ મુદ્દામાલની કિંમત રૂ. 5,000 આંકવામાં આવી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ અનધિકૃત રીતે એક ગેસ બોટલમાંથી બીજી બોટલમાં જ્વલનશીલ પદાર્થનું ટ્રાન્સફર કરતા હતા, જે અત્યંત જોખમી પ્રવૃત્તિ છે. આ કૃત્યથી ન માત્ર તેમની પોતાની જિંદગી પરંતુ આસપાસના લોકોની જિંદગી પણ જોખમમાં મૂકાતી હતી. પોલીસે આ મામલે અંકલેશ્વર ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ