મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એસ.જી.વી.પી.ના સંત શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં અત્યાધુનિક સુવિધાઓ સાથેના કન્યા છાત્રાલયનું આજે સાંજે ખાતમુહૂર્ત કર્યું હતું.
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના નયનરમ્ય સ્થળ દ્રોણેશ્વરમાં સંસ્કૃતિ, સંસ્કાર, સદવિદ્યાના ત્રિવેણી સંગમ એવા એસ.જી.વી.પી., ગુરુકુળ ખાતે ગુરુકૂળની વિદ્યાર્થીનીઓની બેન્ડની સૂરાવલીઓ વચ્ચે આ ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંસ્કારયુક્ત શિક્ષણના પાયા સમાન નૂતન કન્યા છાત્રાલયના ખાતમુહૂર્ત અવસરે જણાવ્યું હતું કે, દરેક સમસ્યાનું સમાધાન જ્ઞાન છે. જીવન વ્યવહારના તમામ પ્રશ્નોનો ઉકેલ શિક્ષણ દ્વારા આવી શકે છે, ત્યારે સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ગીર ગઢડાના અંતરિયાળ વિસ્તારમાં દીકરીઓ માટેનું છાત્રાલય બનાવવા માટેનું કદમ નવા અધ્યાયની શરૂઆત સમાન છે.
આ ગુરુકુળ દ્વારા આ છેવાડાના વિસ્તારમાં ૫૧ ગામના ૧૦ હજાર દીકરાઓને શિક્ષણ આપવામાં આવે છે, તે સાથે હવે ગુરુકુળ પરંપરાને આગળ ધપાવતા દીકરીઓને પણ ઉત્તમ પ્રકારનું શિક્ષણ છાત્રાવાસ સાથે અહીં ઉપલબ્ધ થવાનું છે તે આપણા સૌ માટે ગૌરવની વાત છે તેમ તેમણે હર્ષભેર જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, અત્યારે સમાજમાં ભણતર સાથે ચારિત્ર્ય ઘડતરની પણ એક પ્રકારની ચિંતા હોય છે, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતોએ ગુરુકુળની વ્યવસ્થા દ્વારા એક એવી અદભુત વિરાસતનું નિર્માણ કર્યું છે કે, ગુરુકુળમાં આવનાર દીકરીનું ભણતર તો સારું થશે જ, પરંતુ ઉત્તમ ચરિત્રનું નિર્માણ થશે તે બાબતે વાલીઓ પણ નિશ્ચિત બની જાય છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ જેવા માધ્યમો દ્વારા સમાજમાં દીકરીઓના ભણતરનું પ્રમાણ વધે તે માટે પ્રયાસ કર્યો હતો. તેમાં આ એક નવો આયામ ઉમેરાયો છે.
સ્વામિનારાયણ ગુરુકુળ પરંપરામાં વડાપ્રધાન ના ‘વિકાસ ભી, વિરાસત ભી’ ના ધ્યેય મંત્રને પણ સાકાર થતો જોઈ શકાય છે તેમ જણાવી તેમણે દીકરીઓ માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ‘નમો સરસ્વતી’ અને ‘નમો લક્ષ્મી’ યોજનાઓનો ઉલ્લેખ કરીને તેનો પણ મહત્તમ લાભ લેવા માટે અપીલ કરી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ૭૫ માં બંધારણ દિવસની ઉજવણી અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘વી ધ પીપલ’ અંતર્ગત ૧૧ સંકલ્પો આપ્યાં હતાં. જેમાં એક મહત્વપૂર્ણ સંકલ્પ ‘વુમન લેડ ડેવલપમેન્ટ’ છે. ‘વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત’ની સંકલ્પના માટે શિક્ષણ ખૂબ મહત્વનું માધ્યમ બની રહેવાનું છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રી કર્તવ્ય પાલન માટે પણ ખૂબ જ આગ્રહી છે. હક્ક સાથે કર્તવ્યનું પાલન પણ સુપેરે કરીએ ત્યારે વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવા માટે આપણને કોઈ તકલીફ પડવાની નથી.
વડાપ્રધાનએ શરૂ કરેલ ‘વાઇબ્રન્ટ ગુજરાત’ની શૃંખલા અને તેના પરિણામે ગુજરાતને વૈશ્વિક મંચ પ્રાપ્ત થયો છે. જેને કારણે ગુજરાતમાં ધંધા-રોજગાર અવિરત આગળ વધી રહ્યાં છે. તેવી સંકલ્પસિદ્ધિની વાત તેમણે રજૂ કરી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ સંસ્થા સાથે હું ૧૯૯૫ માં મેમનગરમાં કોર્પોરેટર હતો, ત્યારથી સાથે કાર્ય કરવાનું બન્યું છે. સ્વામિનારાયણ ગુરુકુળ, અમદાવાદ દ્વારા કાઢવામાં આવતી રથયાત્રા દરમિયાન સ્વચ્છતાનો એટલું બધું ધ્યાન રાખવામાં આવે છે કે, રોડ પર રથયાત્રા નીકળ્યા પછી કચરો પણ જોવા ના પડે. આ રીતે આ સંસ્થા વડાપ્રધાનશ્રીના ‘સ્વચ્છતા અભિયાન’માં પણ શિરમોર રહી કાર્ય કરી રહી છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.
કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબને ધ્યાનમાં રાખીને બધી યોજનાઓ બનાવી રહી છે, ત્યારે સો ટકા સંતૃપ્તિ સુધી પહોંચાય અને દરેક ઘર સુધી તેનો લાભ મળે તે માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે તેનો ઉલ્લેખ કરીને ‘ગ્રીન ગુજરાત’ની વિભાવનાને સાર્થક કરતાં દરેક ખેડૂતોને દિવસે પણ વીજળી મળે તેમજ ‘ગ્રીન એનર્જી’ ક્ષેત્રે પણ ગુજરાત ઝડપથી આગળ વધી રહ્યું છે રહ્યું છે તેની વાત મુખ્યમંત્રીએ કરી હતી.
વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે ‘યહી સમય હૈ, સહી સમય હૈ’ ની ઉક્તિ સૌ સાથે મળીને સાર્થક કરીએ તે જ આજના દિવસનો સંકલ્પ હોઈ શકે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આજે વડનગરમાં સાકાર થયેલાં વિવિધ પ્રકલ્પોનો મુખ્યમંત્રીશ્રીએ ઉલ્લેખ કરીને, ખાસ કરીને ‘પ્રેરણા સ્કૂલ’ ના પ્રકલ્પ દ્વારા દેશના વિવિધ ભાગોમાંથી વિદ્યાર્થીઓ અહીં આવીને સાથે રહેશે, ત્યારે જે-તે પ્રદેશના રીત-રિવાજ, ખાનપાન, પહેરવેશ વગેરે વિશે એક બીજાથી અવગત થશે. જેનાથી વાસ્તવમાં ‘એક ભારત- શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પના સાકાર થવાની છે, તેમ તેમણે દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું.
ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ આ તકે જણાવ્યું હતું કે, એસ.જી.વી.પી.ના આ વિસ્તારમાં આગમનને કારણે આ વિસ્તારની દશા અને દિશા બન્ને બદલાઈ ગઈ છે. સંસ્કારયુક્ત શિક્ષણ એ આજના સમયની જરૂરિયાત છે, જે ગુરુકુળ પરંપરામાં આદર્શ રીતે અહીં પ્રાપ્ત થઈ રહ્યું છે.
સંત શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ આશીર્વાદ આપતાં જણાવ્યું કે, સંપત્તિ તો ઘણાં બધા લોકો પાસે હોય છે, પરંતુ વાપરવાનું દિલ ઘણા ઓછા લોકો પાસે હોય છે. શિક્ષણના યજ્ઞ માટેનું દાન એ વિશુદ્ધ ભાવે ભગવાનને રાજી કરવાનું કાર્ય છે.
આ તકે આર.ડી. વરસાણી સહિતના મહાનુભાવોએ પ્રસંગિક પ્રવચન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે અદ્યતન નૂતન કન્યા છાત્રાલયના નિર્માણમાં યોગદાન આપનાર દાતાશ્રીઓ અને સમાજશ્રેષ્ઠીઓનું આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ દ્રોણેશ્વર ખાતે એસ.જી.વી.પીના પ્રાર્થના ભવનમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનાં દર્શન કર્યા હતાં. તેમજ ગુરુકુળની દીકરીઓએ ઉત્સાહસભર મુખ્યમંત્રીશ્રી સાથે ગૃપ ફોટો પડાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, રૂ.૨૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ચાર માળની આ અદ્યતન નૂતન કન્યા છાત્રાલયમાં ૫૦૦ વિદ્યાર્થીનીઓ રહી શકે એવાં અત્યાધુનિક છાત્રાલયનું નિર્માણ કરવામાં આવશે. આ રમણીય કેમ્પસમાં દિકરીઓ માટે નિઃશુલ્ક સર્વશ્રેષ્ઠ અભ્યાસ સાથે સંસ્કારમય વાતાવરણ પ્રાપ્ત થવાનું છે.
એસ.જી.વી.પી. ગુરુકુલના અધ્યક્ષ શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની દિર્ઘદ્રષ્ટિના ફળ સ્વરૂપે ઉત્તમ સંકુલ નિર્માણ થશે. આ પરિસરમાં પ્રાર્થના હોલ, કિચન, એડમિન ઓફિસ, વિદ્યાર્થીનીઓના રૂમ, ડાઈનિંગ હોલ, ગેસ્ટ ડાઈનિંગ, રેક્ટર ઓફિસ, વાંચનાલય, મેડિકલ રૂમ, રેક્ટર રૂમ સહિત હોમ સાયન્સ, ભરત કલા, નૃત્ય એકેડમી, આઈ.ટી.ગ્રાફિક્સ, બ્યૂટી પાર્લર, નૃત્ય એકેડમી, જ્વેલરી ડિઝાઈન અને મ્યૂઝિક એકેડમી સહિતના વિવિધ કલાકેન્દ્રોના માધ્યમથી વિદ્યાર્થીનીઓની આંતરિક શક્તિઓને ખીલવા માટે મોકળું મેદાન મળશે.
નૂતન કન્યા છાત્રાલયમાં સમગ્રતયાં અભ્યાસની સાથે સાથે ટેબલ ટેનિસ, લૉન ટેનિસ, બેડમિન્ટન જેવી ઈત્તર પ્રવૃત્તિઓ થકી પ્રકૃતિની નજીક રહી અને નિર્મળ વાતાવરણમાં વિદ્યાર્થીઓના માનસને હકારાત્મક ઉર્જા થકી ઉત્તમ અભ્યાસની સુવિધા પૂરી પાડવામાં આવશે.
રિપોર્ટર મહેશ વાજા સોમનાથ