“કર્મયોગ” પર જાણીતા કથાકાર મહાદેવભાઈ પ્રસાદ મહેતાનું વક્તવ્ય યોજાયું

કર્મયોગ થકી જનકલ્યાણની વિભાવના કઈ રીતે સાર્થક કરી શકાય તેનું ચિંતન રજૂ કરતા મહાદેવભાઈ પ્રસાદ મહેતા

ગીર સોમનાથ, તા.૦૭: જિલ્લાકક્ષાની ચિંતન શિબિરના બીજા દિવસનો પ્રારંભ પ્રખ્યાત કથાકાર અને વક્તા મહાદેવભાઈ પ્રસાદ મહેતાના “કર્મયોગ” પર વક્તવ્યથી થયો હતો.

જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં દ્વિતિય દિવસના સત્રની શરૂઆત કરાવતા મહાદેવભાઈ પ્રસાદ મહેતાએ કર્મયોગ થકી જનકલ્યાણની વિભાવના કઈ રીતે સાર્થક કરી શકાય તેનું ચિંતન રજૂ કર્યું હતું. મહાદેવભાઈએ કર્મના સિદ્ધાંતોને વહીવટી કાર્યક્ષેત્રમાં કાર્યરત કરી અને પ્રત્યેક નાગરિકની સુખાકારી માટે કાર્ય કરવા માટેના આદ્યાત્મિક અને પૌરાણિક ઉદાહરણો સાથે રજૂઆત કરી હતી.

તેમણે કર્મયોગની વિભાવના સ્પષ્ટ કરતા જણાવ્યું કે, કર્મયોગ ત્યારે બને જ્યારે તેમાં કર્મની પ્રધાનતા ઉમેરાય અને કરેલું કર્મ યજ્ઞમાં આપેલી આહૂતિ સમાન હોય તેવી પવિત્રતા તેમા કેળવાય ત્યારે તે સાચા અર્થમાં કર્મયોગ બને છે.

તમારા નિશ્ચિત સમય સિવાયના સમયમાં પણ પ્રજાને ઉપયોગી બને તેવું કાર્ય કરવામાં આવે તે ઈશ્વરિય કાર્ય છે. પોતાની પાસે આવેલી વસ્તુ છેલ્લા અને સામાન્ય નાગરિક સુધી પહોંચે તે માટેના વાહક બનવું તે સાચો કર્મયોગ છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, કોઈપણ કાર્ય કરીએ તેમાં વિશુદ્ધતા હોવી જોઈએ. કાર્ય નિષ્કામભાવે કરવું જોઈએ. પોતાનું હિત નહીં પરંતુ પરમાર્થનું કાર્ય હોય તે રીતે કાર્ય કરવામાં આવે તો તે કોઈ દિવસ બંધનકર્તા બનતું નથી તેનું ચિંતન તેમણે ઉદાહરણ સાથે રજૂ કર્યું હતું.

તેમણે મહાભારતના ઉદાહરણો સાથે પાપ અને પુણ્ય તમારા ઉદ્દેશો પર નિર્ભર હોય છે ત્યારે સત્કાર્ય કરવા માટે કોઈ સમયનું બંધન નડતું નથી. એકરીતે સમયબદ્ધતા તે પણ કર્મયોગનું જ સ્વરૂપ છે. તેમ તેમણે સમજાવ્યું હતું.

રિપોર્ટર મહેશ વાજા સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here