ગીર સોમનાથ જિલ્લામાં આજે રવિકૃષિ મહોત્સવની શરૂઆત થઈ હતી. જિલ્લાના છ તાલુકામાં એકસાથે યોજાયેલા રવિ કૃષિ મહોત્સવમાં જિલ્લાના ખેડૂતોને કૃષિ અંગેનું તાંત્રિક જ્ઞાન અને સમજ આપવામાં આવશે.
વેરાવળમાં આહિર સમાજની વાડી ખાતે યોજાયેલા રવિ કૃષિ મહોત્સવના પ્રારંભે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજૂલાબહેન મૂછારે રાજ્ય સરકાર દ્વારા યોજાયેલા આ અભિયાન અંતર્ગત જિલ્લાના ખેડૂતો વધુ ને વધુ જ્ઞાન મેળવે તે જરૂરી છે. રાજ્યના ખેડૂતોને કૃષિ મહોત્સવના પરિણામે કૃષિનું આધુનિક અને તાંત્રિક જ્ઞાન પ્રાપ્ત થાય છે. જેના આધારે ખેડૂતો પોતાની ઉત્પાદન અને આવક બન્ને વધારી શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેડૂતોને રવિ કૃષિ મહોત્સવ દ્વારા ખેડુતોને ખેતીલક્ષી સચોટ માર્ગદર્શન આપવામાં આવે છે. ખેડૂતોને વૈજ્ઞાનિક અને આધુનિક ખેતી પધ્ધતી, બજાર અને માંગ આધારિત ખેતી, ટકાઉ ખેતી, સેન્દ્રિય ખેતી, કૃષિમાં યાંત્રિકરણ, સૂક્ષ્મ પિયત પધ્ધતિ તેમજ ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરવા તેમણે આહવાન કર્યું હતું .
આ તકે, રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત ખેતી અને બાગાયત પાકોની જાણકારી માટે વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યાં હતાં. આ સ્ટોલની મુલાકાત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સહિતના પદાધિકારી અને અધિકારીઓએ લીધી હતી.
આ કાર્યકમ અંતર્ગત ખેતીવાડી વિભાગની સરકારની વિવિધ સહાય યોજનાનોં લાભ લેનાર ખેડૂતોને તેમની યોજનાના પૂર્વ મંજૂરી હુકમ પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રાકૃતિક તેમજ આધુનિક વૈજ્ઞાનિક ખેતી કરતા વેરાવળ તાલુકાના ભેટાળી ગામના ખેડૂત ખીમાભાઈ પરમારે ખેડૂતો સમક્ષ પોતાના કૃષિલક્ષી પ્રતિભાવો રજૂ કર્યા હતા.
આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જશાભાઈ બારડ, પૂર્વ બીજ નિગમ ચેરમેન શ્રી રાજશીભાઈ જોટવા, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી અશોક ચૌધરી, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી પી.કે સ્વર્ણકાર, ક્ષેત્રીય નિરીક્ષક શ્રી સંજય કુમાર, તાલુકા વિકાસ અધિકારી શ્રી ભાવસિંહ પરમાર, વેરાવળ બાગાયત અધિકારી શ્રી અવનીબેન દાવેરા, આગેવાન શ્રી વિક્રમ પટાટ, શ્રી નરેન્દ્રસિહ ઝાલા, શ્રી લખમણભાઈ ચૌપડા, વિસ્તરણ અધિકારી ખેતી શ્રી એન.એન.વાળા તેમજ ગામસેવકો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર મહેશ વાજા સોમનાથ