અંક્લેશ્વર પોલીસે ટ્રક નીચે દબાયેલો મહિલાનો પગ બહાર કાઢવા 4 જેક લગાવી ટ્રક ઉંચી કરી પણ જીવ બચાવી ન શક્યા
અંક્લેશ્વર,
જાંબુઆ ખાતે રહેતા વિનોદ ડામોર તેમની પત્ની રેના તેમજ 4 મહિનાના સંતાન સાથે બાઇક પર સુરત જવા માટે નિકળ્યા હતાં.આ સમય દરમિયાન અંક્લેશ્વર હાઇવે પરથી પસાર થઇ રહ્યાં હતાં તે વેખતે રોડ પરના ખાડાઓને કારણે કે પછી પાછળ આવતી ટ્રકની ટક્કરથી કે અન્ય કોઇ કારણસર વિનોદ ડામોરે તેમનું સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં બાઇક પર પાછળ બેસેલી તેમની પત્નીનું સંતુલન નહીં રહેતાં નીચે પટકાઇ હતી. જ્યારે તેના હાથમાંથી 4 મહિનાનું બાળક પણ ફેંકાઇ ગયું હતું.આ સમય દરમિયાન પાછળ આવતી ટ્રકનું ટાયર મહિલાના પગ પર ચઢી ગયું હતું.આ ઘટનાને પગલે ઊહાપો થતાં થોડે દૂર ટ્રાફિક નિયમનની કામગીરી કરતાં ટ્રાફિક પોલીસના પીઆઇ ભાવના મહેરિયા તેમજ તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી. તેમણે જોતાં મહિલાનો એક પગ ટ્રકના પાછળના જોડિયા ટાયર નીચે દબાયેલો દેખાતા તેમણે તુરંત એકશનમાં આવી આસપાસના અન્ય વાહનોમાંથી જેક કાઢી 4 જેકની મદદથી ટ્રક ઉંચી કરી તેનો પગ બહાર કાઢ્યો હતો. બીજી તરફ પોલીસે ફેંકાઇ ગયેલાં 4 મહિનાના બાળકને ઉંચકી તેને સલામતીની હૂંફ આપી હતી. પોલીસે મહિલાનો જીવ બચાવવા માટેના તમામ પ્રયાસ કરી તેને તુરંત નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડી હતી.જોકે, ત્યાં તેનું મોત થયું હતું.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ