ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા 14 મંડળોમાં તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરાશે
રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતા પર્વમાં ઉત્સાહભેર જોડાવા અપીલ કરતા જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા
ભરૂચ,
દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાનનું એલાન કરવામાં આવ્યું છે અને દેશવાસીઓને આ અભિયાનમાં જોડાવા આવાહન કર્યું છે ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પણ હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રા યોજાશે. જેના આયોજન સંદર્ભે ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલ ભરૂચ જિલ્લા ભાજપના કાર્યાલય ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા, જિલ્લા ભાજપના પ્રભારી અશોક પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામી, ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા, મહામંત્રી નિરલ પટેલ, વિનોદ પટેલ અને ફતેસિંહ ગોહિલ તેમજ અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
આ અંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાએ જણાવ્યું હતું કે આગામી તારીખ 11 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી તમામ 14 મંડળોમાં તિરંગા યાત્રાનું આયોજન કરાશે, સાથે જ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોટાભાગના તમામ ઘર પર દેશની આન, બાન અને શાન સમાન તિરંગો લહેરાવાશે. રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતા આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા તેઓએ ભરૂચ જિલ્લાવાસીઓને અપીલ કરી છે
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ