ભરૂચ પોલીસે બુલેટ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો:આરોપીને ઝડપીને પોલીસે મોબાઇલ ચેક કર્યો તો પિસ્તોલનો ફોટો મળ્યો, આરોપી સાથે બુલેટ અને પિસ્તોલ પણ કબ્જે લીધા
ભરૂચ,
ભરૂચ “એ” ડીવીઝન પોલીસે બુલેટ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવાની સાથે દેશી હાથ બનાવટની પિસ્ટલ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે.જ્યારે બુલેટ ચોરીના ગુનામાં અન્ય એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.
ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડા દ્વારા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ જળવાય રહે તે હેતુથી અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપી હતી.જે અનુસંધાને “એ” ડીવીઝન પીઆઈ વી.યુ.ગડરીયા અને પીએસઆઈ ડી.એ. ઝાલાની ટીમને માહિતી મળી હતી કે, બે વર્ષ અગાઉ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનવિસ્તારમાં આવેલ દેત્રોલ પાટીયા હીંગલ્લા ખાતેથી એક બુલેટ મોટરસાયકલની ચોરી થઈ હતી.આ ચોરી પાલેજના જુનેદ જમાદારે ચોરી હોય અને બુલેટ વાગરાના જલાલુદીન અલી સૈયદને વેચાણ આપી છે.તે હાલમાં એક કાળા કલરની કાર લઈને મહંમદપુરાથી પાંચબત્તી તરફ આવવાનો છે.આ માહિતીના આધારે તેને પાંચબત્તી સર્કલ ખાતેથી ઝડપી પાડ્યો હતો.
આરોપીને પોલીસ મથક પર લાવી બુલેટ અંગે કડક પુછતાજ કરતાં તે ભાંગી પડ્યો હતો.તેણે બુલેટ એક વર્ષ પહેલાં જુનેદ જમાદાર પાસેથી રૂ.25 હજારમાં ખરીદી કરી હોવાની કબૂલાત કરતાં પોલીસે તેની પાસેથી બુલેટ, મોબાઈલ અને રોકડા રૂપિયા મળીને કુલ 90 હજારનો મુદ્દામાલ કબ્જે કરીને અન્ય આરોપી જુનેદ જમાદારને વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.આ મામલે પોલીસે આરોપી જલાલુદીન અલી સૈયદનો મોબાઈલ ચેક કરતાં તેના મોબાઇલ ફોનમાં એક પિસ્ટલનો ફોટો મળી આવ્યો હતો.
જે બાબતે તેને પુછતાજ કરતા તે ભાંગી પડી જણાવ્યું હતું કે, તે પિસ્ટલ તેની પોતાની છે તેની પાસે રહેલી કાર નં.GJ-05-JD- 9595 ના અંદર સ્ટેરીંગ નજીક ડેસ્ક બોર્ડના નીચેના ભાગે સંતાડેલી હોવાની કબૂલાત કરી હતી.જેથી તેની કારમાં ચેક કરતા દેશી હાથ બનાવટની એક પિસ્તલ (અગ્નિશસ્ત્ર) મળી આવી હતી.જેથી પોલીસે તેની સામે આર્મસ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી એક કાર કિંમત રૂ. 3 લાખ, દેશી હાથ બનાવટની પિસ્ટલ કિ.રૂ. 30 હજાર મળીને કુલ રૂ. 3,30, 000 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ