ભરૂચમાં મહિલા વ્યાજખોરના ત્રાસથી મહિલાનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
પતિને વિદેશ જવાનું હોવાથી 20 ટકાના વ્યાજે 2.80 લાખ લીધાં હતાં
ભરૂચ,
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેમના પતિને વિદેશ જવા માટે રૂપિયાની જરૂર હોવાથી એક મહિલા પાસેથી 20ટકા વ્યાજે રૂપિયા લીધાં હતાં જેની ઉઘરાણી કરાતાં તેમણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં અલમદીના એપાર્ટમેન્ટ પાસે આવેલાં અલલીલા એપાર્ટમેન્ટમાં રહેતી નફીસાબાનુ જાકીર મિર્ઝાએ ઝેરી દવા પી જતાં તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક સારવાર બાદ તે ભાનમાં આવતાં “બી” ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તેનું નિવેદન લેવા માટે પહોંચતાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.
નફીસાબાનુના પતિને વિદેશ જવાનું હોઇ તેના માટે રૂપિયાની જરૂરિયાત ઉભી થઇ હતી. તેઓ રૂપિયા એકત્ર કરવામાં જોતરાયાં હતાં. તે વખતે નફીસાબાનુની પરીચિત સલવા ઉર્ફે આયશા નામની એક મહિલા સાથે રૂપિયાને લઇને વાતચીત થતાં સલવા ઉર્ફે આયશાએ તેને 20 ટકા વ્યાજ પર 2.80 લાખ રૂપિયા આપ્યાં હતા. જે પૈકીના 1.67 લાખ રૂપિયા તેમણે ચુકવી દીધાં હતાં.
જો કે, તેઓ હજી પણ તેમની પાસેથી 4.55 લાખની માંગણી કરી હતી. તેમજ તે રૂપિયા નહીં ચૂંકવે તો સિક્યુરિટી પેટે મુકેલાં ચેક ખાતામાં નાંખી બાઉન્સ કરાવી તેની સામે કેસ કરવાની ધમકીઓ આપી હતી. જેના પગલે તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની કેફિયત રજૂ કરતાં પોલીસે મામલામાં સલવા ઉર્ફે આયશા વિરૂદ્ધ ખંડણી તેમજ વ્યાજખોરી સબબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ