ગીર સોમનાથ, તા. ૦૧: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનથી રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ અભિયાન વેગવંતુ બન્યું છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે ત્યારે ગીર સોમનાથના ખેડૂતો પણ પ્રાકૃતિક કૃષિ અપનાવી આ મહાયજ્ઞમાં પોતાનો ફાળો આપી રહ્યાં છે. તાલાલા તાલુકાના પીપળવા ગામના બામરોટીયા હરદાશભાઈ જાદવભાઈ આવા જ એક ખેડૂત છે. જે પોતાની આગવી કોઠાસૂઝ અને ટેક્નોલોજીના સમન્વયથી પ્રાકૃતિક ખેતી કરીને મબલખ આર્થિક ઉપાર્જન કરી રહ્યાં છે.

૫૮ વર્ષના હરદાસભાઈ માત્ર ૧૨ ધોરણ પાસ છે પરંતુ તેમની આગવી કોઠાસૂઝ અને ટેક્નોલોજીના સમન્વયથી ૨૨ વિઘામાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે. હરદાસભાઈએ ૨૦૧૬થી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. તેમણે પહેલા ૨ વિઘામાં ખેતી કરી હતી અને સારૂ પરિણામ મળતા પ્રયોગશીલ બની ૨૨ વિઘામાં ખેતી કરવાની શરૂઆત કરી હતી.

હરદાસભાઈએ જણાવ્યું હતું કે, ‘ભાવિ પેઢીનો વિચાર કરીને આ ખેતી કરવાની શરૂઆત કરી હતી. પ્રાકૃતિક કૃષિ એ ઝેરમુક્ત ખેતી છે. જેના લીધે શરીરમાં પણ અનેક ફાયદા થાય છે. સૌ પહેલા હું રૂઢીગત પદ્ધતિથી ખેતી અને પશુપાલન કરતો હતો. ખેતીમાં પહેલા રસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો પણ ભરપૂર ઉપયોગ કરતો. પરંતુ ત્યારબાદ અમે સુભાષ પાલેકરની પ્રાકૃતિક કૃષિને લગતી આઠ દિવસની શિબિર કરી હતી. જે પછીથી આત્મા પ્રોજેક્ટમાં જોડાઈ વિવિધ તાલિમ મેળવી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી અપનાવી.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, “મારી પાસે ૨૫૦૦ – ૨૫૦૦ લીટરના બે ટાંકા છે. જેમાં જીવામૃત ભરૂં છું. ટેક્નોલોજીના ઉપયોગથી માત્ર બે કલાકમાં જ ૨૨ વિઘામાં જીવામૃતનો ઓટોમેટિક સિસ્ટમથી જ છંટકાવ થઈ જાય છે. જેથી સમયની બચત થાય છે. મેં અત્યારે ખેતરમાં શેરડી, મગફળીનું વાવેતર કર્યું છે. હું ખેતરમાં જ જીવામૃત, ઘનજીવામૃત, બીજ માવજત માટે બીજામૃત અને રોગજીવાત માટે નિમાસ્ત્ર, દસપર્ણી અર્ક બનાવું છું. આમ પરંપરાગત ખેતી કરતા હું ગાય આધારીત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો. જેનાથી મને સારું પરીણામ મળ્યું છે.”

આ રીતે, પ્રાકૃતિક ખેતી અપનાવવાથી હરદાસભાઈને પહેલા કરતાં વધુ સારો ગુણવત્તાયુક્ત અને ઝેરમુક્ત ખેતી પાક મળ્યો તેમજ ગાય આધારીત પ્રાકૃતિક ખેતી અને ટપક પદ્ધતિ અપનાવવાથી ખેત ઉત્પાદનમાં વધારો થયો અને મૂલ્યવર્ધન કરીને સારો એવો આર્થિક ફાયદો મેળવ્યો. ગાય આધારીત પ્રાકૃતિક ખેતી માટે હરદાસભાઈને તાલુકા કક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મસ એવોર્ડ અને જિલ્લા કક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

રિપોર્ટર મહેશ વાજા સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here