શાળા પ્રવેશોત્સવ- ૨૦૨૪ ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’ : ગીર સોમનાથ – બીજો દિવસ
આજોઠા કન્યાશાળા ખાતે બાળકોનું નામાંકન કરાવતાં મત્સ્યોદ્યોગ નિયામક શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીણા
ગીર સોમનાથ,તા.૨૭: બાળકોના ભવિષ્યને અમૃતમય બનાવવાનો ઉત્સવ એટલે ‘શાળા પ્રવેશોત્સવ’. ગીર સોમનાથમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે આંગણવાડી, બાલવાટિકા, ધોરણ ૧ તેમજ ધોરણ ૯માં પ્રવેશ લેતા બાળકોને હરખભેર શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
વેરાવળ તાલુકાની આજોઠા કન્યાશાળા ખાતે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ નિમિત્તે મત્સ્યોદ્યોગ નિયામક શ્રી ડો. નરેન્દ્રકુમાર મીણાએ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. નિયામકશ્રીના હસ્તે કુમકુમ તિલક કરાવી ભૂલકાઓને બાલવાટિકા અને ધોરણ-૧માં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ તકે, નિયામકશ્રીએ સમગ્ર શાળાની મુલાકાત લઇ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
વધુમાં બાલવાટિકામાં પ્રવેશ મેળવતા બાળકોને GHCL કંપની સુત્રાપાડા તથા જન સેવા ટ્રસ્ટ રેયોન કંપની તરફથી પ્રોત્સાહન રૂપે વેલકમ કીટ આપવામાં આવી હતી.
આ પ્રવેશોત્સવમાં સરપંચ શ્રી મેણસીભાઇ બારડ, અગ્રણી શ્રી મેરૂભાઇ પંપાણિયા, શ્રી ઉકાભાઈ, શ્રી વીરાભાઇ ભજગોતર તથા એસએમસી સભ્યશ્રીઓ, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટર મહેશ વાજા સોમનાથ