*ભરૂચના વરેડિયા ખાતે રહેતી પુત્રીના ઘરેથી પરત જતી વખતે ડમ્પર ચાલકે ટક્કર મારી, પત્નીનું મોત, પતિ અને પૌત્રનો બચાવ*ભરૂચ, ભરૂચના એબીસી સર્કલ નજીક એક ડમ્પર ચાલકે મોપેડ ચાલકને અડફેટમાં લેતાં મોપેડ પાછળ સવાર એક મહિલા માર્ગ પર પટકાતા ડમ્પરના ટાયરો ફરી વળતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે આધેડ અને બાળકનો બચાવ થયો હતો.આ ઘટનાની જાણ થતાં “સી” ડીવીઝન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી. ભરૂચમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે.ત્યારે ગતરોજ સાંજના સમયે અંકલેશ્વર તાલુકાના બોરીદરાના પ્રતાબ કાલીદાસભાઈ વસાવા વરેડિયા ખાતે રહેતી પોતાની પુત્રીના ઘરે ગયેલી પત્ની સવિતા પ્રતાબભાઈ વસાવાને મોપેડ લઈને આવ્યા હતા.તેઓએ મોપેડ પર પત્ની સવિતા અને પૌત્ર પ્રિયાંકને લઈને અંકલેશ્વર તરફ જઈ રહ્યા હતા.આ સમયે એબીસી ચોકડી નજીક ટીમ કંપની પાસે પહોંચતા પાછળ માતેલા સાંઢની જેમ આવેલા ડમ્પરના ચાલકે મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.આ સમયે આધેડની પાછળ બેઠેલા એક મહિલા રોડ તરફ માર્ગ પર પડતા ડમ્પરના તોતીંગ ટાયરો તેના ઉપર ફરી વળતા તેનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે મોપેડ પર સવાર આધેડ અને તેમની સાથે રહેલો બાળક પણ માર્ગ પર પટકાતા તેમને પણ સામાન્ય ઇજાઓ થઇ હતી.આ બનાવ અંગેની જાણ થતાં “સી” ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આ મામલે પોલીસે ડમ્પર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
*રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ*