ભરૂચ જિલ્લા ભાજપે રંગભેદ પર ભારતીયો પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર કોંગી સામ પિત્રોડાનું પૂતળું ફૂંકયું
- વિવિધ પ્રદેશોને રંગ પ્રમાણે અલગ-અલગ દેશ સાથે તુલના કરનાર પિત્રોડા પર દેશભરમાં રોષ : મારૂતિસિંહ અટોદરિયા
- ભારતના ચારેય દિશામાં રહેતા નાગરિકોને અન્ય દેશોના લોકોના રંગ સાથે સરખાવી કરાયેલ રંગભેદની નીતિ માટે ફિટકાર : રમેશ મિસ્ત્રી
ભરૂચ,
ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ પ્રમુખ અને ગાંધી પરિવારના સલાહકાર સામ પિત્રોડાએ ભારતીયોની વિદેશીઓ સાથે રંગના આધારે કરેલી તુલનાની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ ભરૂચ જિલ્લા ભાજપે તેમનું પૂતળું ફૂંકી ફિટકાર વરસાવ્યો હતો.
કોંગ્રેસના વરિષ્ઠ સામ પિત્રોડાએ પૂર્વ ભારતીયોને ચીની , દક્ષિણ ભારતીયોને આફ્રિકી અને પશ્વિમ ભારતીયોને આરબ જેવા ગણાવ્યા છે. આ રંગભેદ , શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ ટીપ્પણીને લઈ દેશભરમાં પિત્રોડા સામે વિરોધ વંટોળ ભભૂકી ઉઠ્યો છે.
ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે સામ પિત્રોડાના પૂતળા દહનનો વિરોધ કાર્યકમ રખાયો હતો.
જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ભરૂચ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, મહામંત્રી ફતેસંગ ગોહિલ, નિશાંત મોદી, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, યુવા પ્રમુખ ઋષભ પટેલ સહિતની હાજરીમાં પિત્રોડાનું પૂતળું સળગાવાયુ હતું.
કોંગી આગેવાનની આવી હીન માનસિકતા બદલ તેઓનો હુરિયો પણ બોલાવાયો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ દેશવાસીઓ માટે આવા નિવેદન અને ટિપ્પણીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. વિવિધ પ્રદેશોને રંગ પ્રમાણે અલગ-અલગ દેશ સાથે તુલનાને ભરૂચ જિલ્લા ભાજપે સખત શબ્દોમાં વખોડી નાખ્યો હતો.
ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ભારતના ચારેય દિશામાં રહેતા નાગરિકોને વિશ્વના અન્ય દેશના નાગરિકોના રંગના આધારે વર્ણવી રંગભેદની નીતિ માટે પિત્રોડા અને કોંગ્રેસ પર ફિટકાર વરસાવ્યો હતો. ભારતવાસીઓને અન્ય સાથે રંગ મુજબ વર્ણવાની આ નિમ્ન માનસિકતાનો ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ