શાળાઓમાં વેકેશનઃ શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની શાળાઓમાં ઉનાળું વેકેશન જાહેર કરાયું પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં તા. ૯ મી મેથી ૧૨મી જૂન સુધી ૩૫ દિવસનું વેકેશન
ભરૂચ,
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આગામી તા. ૯ મેથી ૧૨ જૂન સુધીના ૩૫ દિવસના વેકેશનની જાહેરાતનો પરિપત્ર શિક્ષણ વિભાગ દ્વારા કરાયો છે. જો કે, અગાઉ એક પરિપત્ર જાહેર કરાયો હતો જેમાં તા.૬ મે થી ૯ મી જૂન સુધીનું વેકેશન જાહેર કરાયું હતું. પરંતુ આ જાહેરાતના બીજા દિવસે નવો પરિપત્ર જાહેર કરીને નવી સૂચના ન મળે ત્યાં સુધી ઉનાળુ વેકેશનને સ્થગિત કરાયું હતું. જો કે હવે નવો પરિપત્ર જાહેર કરાયો છે.
રાજ્યના શિક્ષણ વિભાગ હેઠળની પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા આજે એક પરિપત્ર જાહેર કરીને રાજ્યની પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબનું ઉનાળુ અને દિવાળી વેકેશન રખાય છે. જેના અંતર્ગત આગામી તા. ૯મી મેથી તા. ૧૨ જૂન સુધી એટલે કે ૩૫ દિવસનું વેકેશન જાહેર કરાયું છે. અને આગામી તા. ૧૩ જૂનથી રાબેતા મુજબ શાળાઓ શરૂ થશે.
આ પરિપત્રમાં વધુમાં જણાવાયું છે કે, આ બાબતે જિલ્લા શિક્ષણાપિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સંકલનમાં રહીને વેકેશનની તારીખ જાહેર કરવાની રહેશે. જેથી પ્રાથમિક અને માધ્યમિક બંને શાળાઓના બાળકોના વેકેશનની તારીખ એક જ સરખી રહી શકે. આ પરિપત્ર અંતર્ગત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજોમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં તા. ૯-૦૫-૨૦૨૪થી તા. ૧૨-૦૬- ૨૦૨૪ સુધી એટલે કે ૩૫ દિવસ સુધી વેકેશન રહેશે. જયારે તા. ૧૩-૦૬-૨૦૨૪થી રાજ્યની શાળાઓ રાબેતા મુજબ શરૂ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષણ વિભાગના નાયબ શિક્ષણ નિયામક, પ્રાથમિક શિક્ષણ દ્વારા ગત. તા. ૧૬મી એપ્રિલના રોજ એક પરિપત્ર જાહેર કરીને આગામી તા. ૬ મેથી તા.૯મી જૂન સુધી એટલે કે, ૩૫ દિવસનું ઉનાળુ વેકેશન હોવાની જાહેરાત કરવામાં આવી હતી.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ