અંકલેશ્વરના પશુપતિનાથ મંદિરમાંથી ચોરી થયેલ મૂર્તિઓને રાજસ્થાનના તસ્કરો પાસેથી ખરીદનાર અમદાવાદનો સોની ઝડપાયો
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત પશુપતિનાથ મંદિરમાં રાજસ્થાનના તસ્કરોએ ધાપ મારી હતી. આ મામલે ભરૂચ LCB પોલીસે અગાઉ 2 શખ્સોની ધરપકડ કરી હતી, જ્યારે હવે ચોરીનો માલ લેનાર અમદાવાદના સોનીની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત પશુપતિનાથ મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે 2 તસ્કરોને ઝડપી પાડ્યા હતા. પશુપતિનાથ મંદિરમાં ગત તા. 5મી ફેબ્રુઆરી 2024ના રોજ ચોરીની ઘટના બની હતી. તસ્કરો મંદિરમાંથી સાડા પાંચ કિલો ચાંદીની ચોરી કરવામાં સફળ રહ્યા હતા. જેમાં સંડોવાયેલા 2 શખ્સોને અગાઉ ભરૂચ LCB પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની કડક પૂછપરછ કરતાં તેમણે મંદિરમાં ચોરીના ગુનાની કબૂલાત કરી હતી.
જોકે, ચોરી કર્યા બાદ તેઓએ અમદાવાદના સુરેશ સોનીનો સંપર્ક કરી ચોરીની મૂર્તિઓ વેચી દીધી હતી, ત્યારે અમદાવાદના સુરેશ સોનીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો. હવે આ મામલામાં પોલીસને વધુ એક સફળતા હાથ લાગી છે. જેમાં ચોરીનો તમામ મુદ્દામાલ ખરીદનાર અમદાવાદના સુરેશ શાંતિલાલ સોનીની પણ પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
રિપોર્ટર:- કેતન મહેતા, અંક્લેશ્વર