તા.09/07/2021
આજકાલ સુરત શહેર અને જિલ્લામાં બુટલેગરો બેફામ બની રહ્યા હોવાના વીડિયો સતત સામે આવી રહ્યા છે. સુરતમાં બુટલેગરો ને જાણે પોલીસનો ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન, સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ગામે લિસ્ટેડ બૂટલેગર ઈશ્વર વાસફોડિયા જામીન મળતાં જેલમાંથી છૂટીને ગાડીના કાફલા સાથે ગામમાં પ્રવેશ્યો હોવાનું સામે આવ્યું છે.
આ ઉપરાંત, “ભલ ભલાના અમે પો’ની માપિયાં’ ગીત પર વાહનોના કાફલા સાથે ગામમાં પ્રવેશી રૌફ ઉભો કર્યો હતો. બૂટલેગરો એટલા બેફામ બન્યા છે કે, જેલમાં જઈ આવ્યા બાદ પણ કોઈ પણ જાતની શરમ અનુભવતા ન હોય અને ફરીથી પોતાનો દબદબો જે તે વિસ્તારમાં બની રહે તેવો પ્રયાસ કરી રહ્યા છે.
પલસાણા તાલુકાના વાંકાનેડા ગામના ઉપસરપંચને રિવોલ્વર બતાવીને ધમકાવ્યો હોવાનું સામે આવ્યું છે.
જેને પગલે ઈશ્વર વાસફોડિયાને સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. આજે તે જેલમાંથી જામીન પર છુટ્ટો થઈ પોતાના ગામ અંત્રોલીના ભૂરી ફળિયામાં વાહનોના કાફલા સાથે પ્રવેશ્યો હોવાનું સામે આવ્યું છે. જેગુઆર ગાડીમાં ફિલ્મી ઢબે તે પોતાના ગામમાં પ્રવેશ્યો હતો. ફિલ્મી ગીતોની સાથે જાણે પોતે ખૂબ મોટું પરાક્રમ કર્યું હોય તે રીતે પોતાના ગામમાં ગાડીઓના કાફલા સાથે પ્રવેશ્યો હતો.
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સુરત શહેર અને જિલ્લામાં બૂટલેગરો બેફામ થયા છે જાહેર સ્થળ ઉપર ટોળા એકત્રિત કરીને પોતાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવતી હોય અથવા તો જાહેરમાં કેક કાપતાં અનેક વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. કાયદાકીય છટકબારી હોવાને કારણે આવા તત્વો વારંવાર કાયદાનું ઉલ્લંઘન કરતા હોય છે. આ ઉપરાંત, સ્થાનિક લોકોમાં પોતાનો ડર બની રહે તે માટે પણ આ બુટલેગરો બેફામ રીતે ધાક ધમકી આપતા હોય છે.
રિપોર્ટર :- સુનિલ ગાંજાવાલા