તા.30-01-2023

આમ આદમી પાર્ટી અમરેલી દ્વારા મુખ્યમંત્રીશ્રીને કલેક્ટર શ્રી હસ્તક કલાર્કની સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટવા બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યુ..

આવેદનપત્ર દ્વારા કલેક્ટર સાહેબશ્રી મારફત મુખ્યમંત્રીશ્રી ને જણાવવામાં આવ્યું કે આપ જાણો છો કે, ગઈકાલ તારીખ 29-01-2023 ના રોજ યોજાનારી સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટી ગયું અને પરીક્ષા રદ કરવી પડી. પરીક્ષા રદ કરવાનો મતલબ છે કે 9.53 લાખ યુવાનોના પરિવારના સપના રોળાઈ જવા. કરોડો રૂપિયાનો વિદ્યાર્થીઓએ કરેલો ખર્ચ એળે જવો. આજે મોંઘવારીના સમયમાં પરીક્ષા પાછળ પુસ્તકો,વર્ગો,વાહન ખર્ચ વગેરે મળીને એક એક વિદ્યાર્થી ઓછામાં ઓછા 50,000/- રૂપિયાનો ખર્ચ કરે છે અને બીલકુલ પરીક્ષાના દિવસે જ એને ખબર પડે છે કે પેપર ફૂટી ગયું અને પરીક્ષા રદ થઇ!!
વારંવાર પેપરો ફૂટવા, પરીક્ષાઓ રદ થવી અને દર વખતે નાના નાના ગુનેગારોને પકડીને રૂટિન કામની જેમ પૂરું કરી દેવું એ શું દર્શાવે છે? ખુબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતની જનતાએ ‘ભરોસાની ભા.જ.પ.’ સૂત્ર પર વિશ્વાસ મૂકીને જે જંગી બહુમતી સરકારને આપી એ ભરોસા પર સરકાર ખરી નથી ઉતરી.

એક જવાબદાર વિરોધપક્ષ તરીકે આમ આદમી પાર્ટી ગુજરાત ની આપની પાસે માંગણી છે કે:
1) અત્યારસુધી ફૂટેલા તમામ પેપરો માટે કેટલા અને કોણ કોણ લોકો પકડાયા એની વિગતો જનતા સામે મુકવામાં આવે.
2) હાલના બનાવ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશના વડપણ હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવે.
3) અત્યાર સુધીના તમામ પેપર ફૂટવાના કેસો એક જ કોર્ટમાં લાવી રોજ-રોજના ધોરણે સુનાવણી કરી કેસો સમય મર્યાદામાં પુરા કરવામાં આવે.
4) હાલની પરીક્ષાના ઉમેદવારોને થયેલા નુકશાન માટે દરેકને રૂપિયા 50,000/- વળતર આપવામાં આવે.
5) સરકારી પ્રેસ હોવા છતાં કોના ઈશારે પેપરો ખાનગી પ્રેસ માં છપાવવામાં આવે છે તેની પણ તપાસ કરવામાં આવે અને હવે પછી એક પણ પેપર ખાનગી પ્રેસમાં ના છપાય તેવી જોગવાઈ કરવામાં આવે.
6) વિધાનસભાના આગામી સત્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપરો ફૂટવાના સંદર્ભમાં આકરી સજાની જોગવાઈઓ કરતો કાયદો લાવવામાં આવે જેથી રોજે રોજ પેપર ફૂટવાના દુષણને નિવારી શકાય.
આશા છે ગુજરાતના નવ-યુવાનોના હિતમાં અને સરકારનો ખોવાયેલો વિશ્વાસ પાછો મેળવવા માટે આપ આટલા પગલાં તાત્કાલિક ભરશો.
જો સરકાર જરૂરી પગલાં નહિ ભરે તો આગામી દિવસોમાં યુવા-જાગૃતિ માટે અને ગુનેગારોને સજા અપાવવા માટે એક જવાબદાર રાજકીય પક્ષ તરીકે આમ આદમી પાર્ટી કાર્યક્રમો હાથ ધરશે..
આ તકે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકરો નિકુંજભાઈ સાવલિયા,કિરણબેન ઉકાણી,ભાર્ગવભાઈ મહેતા,કેવિનભાઈ ગજેરા,નરેશભાઇ પરમાર, દિનેશભાઇ માધડ,ધરમભાઈ ઉકાણી,ભરતભાઈ બારોટ, મધુબેન બગડા,ભાવેશભાઈ બગડા,સુનિલભાઈ દાફડા વગેરે હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here