તા.16-04-2022
રામનવમીના તહેવાર વખતે આણંદ જિલ્લાના સંવેદનશીલ ગણાતા ખંભાત તાલુકામાં કોમી હિંસા ભડકી ઉઠી હતી . ત્યારબાદ મામલે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને તોફાનીઓના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે . ગૃહ વિભાગે ખંભાતના શકરપુર વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે . કાર્યવાહી દરમિયાન દરગાહની સામે આવેલી તમામ દુકાનો ધ્વસ્ત કરી દેવામાં આવી છે . પોલીસના કહેવા પ્રમાણે આ રમખાણો સંપૂર્ણપણે યોજનાબદ્ધ હતા . આ ઘટનાના મુખ્ય આરોપી મૌલવીએ દરગાહમાં બેસીને જ તેની યોજના ઘડી હતી . જે વિસ્તારોમાં કોમી રમખાણો થયા હતા ત્યાં ગેરકાયદેસર લારી – કેબિનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે . ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ તોફાની તત્વોના ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા છે . ટ્રેક્ટર અને બુલડોઝર વડે છાઁ અને પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં આ પ્રકારના દબાણો દૂર કરવામાં આવ્યા છે . ખંભાતમાં રામનવમીના પ્રસંગે શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો . ત્યાર બાદ શહેરના વિભિન્ન વિસ્તારોમાં ૨ દુકાન , ૨ લારી અને એક મકાનમાં આગચંપી , તોડફોડ વગેરેની ઘટનાઓ બનતાં ભારે તંગદિલી વ્યાપી હતી . ટોળાને કાબુમાં લેવા માટે પોલીસે ટીઅરગેસના શેલ છોડવા પડ્યા હતા અને સમગ્ર ઘટનામાં પોલીસકર્મીઓ સહિત ૧૫ થી વધારે લોકો ઘાયલ થયા હતા . આ ઉપરાંત એક વ્યક્તિનું મોત પણ થયું હતું .
રિપોર્ટર:- પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ