તા. 25-03-2022
અમરેલી જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૨ હેઠળ હાથ ધરવામાં આવેલી કામગીરીની સમીક્ષા અર્થે અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જિલ્લામાં હાથ ધરવામાં આવનાર અંદાજે ૬.૬૪ કરોડના ખર્ચે જળસંચયના ૭૫૨ કામો અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી. ગત વર્ષોની વાત કરીએ તો ૨૦૧૯માં ૩૯૪, ૨૦૨૦માં ૨૬૦ અને ૨૦૨૧માં ૩૨૪ કામો નોંધાયા હતા જ્યારે આ વર્ષે ૭૫૨ જેટલા એટલે કે ડબલથી પણ વધુ કામો હાથ ધરવામાં આવ્યા છે.
કલેક્ટરશ્રીએ સમિતિ સમક્ષ મુકવામાં આવેલા પ્લાનને આગળની કાર્યવાહી માટે મોકલી આપવા તેમજ આ કાર્યો ગુણવત્તાયુક્ત અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તે દિશામાં કાર્ય કરવા સબંધિત અધિકારીઓને જણાવ્યું હતું. વધુમાં કલેક્ટરએ ઉમેર્યું હતું કે આ તમામ કામોની પોર્ટલ ઉપર નોંધણીથી માંડી વ્યવસ્થિત ઢબે દસ્તાવેજીકરણ થાય તે અત્યંત જરૂરી છે. આ માટે કામો પૂર્વેના અને કામો થયા પછીના ફોટોગ્રાફ્સ પણ સમયાંતરે એકત્રિત કરવા સૂચના આપી હતી. જળસંચયના કામો આગામી બે ત્રણ મહિનાઓ સુધી ચાલવાના હોવાથી રોજબરોજનું રિપોર્ટિંગ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ચોમાસામાં વરસાદનું પાણી મોટા પ્રમાણમાં સંગ્રહ થાય એ હેતુથી તળાવો ઊંડા કરવાના, ચેકડેમ અને અન્ય જળાશયોના ડિ-શીલ્ટીંગના કામો, ચેકડેમ રીપેરીંગના કામો, નવા ચેકડેમના કામો તથા ખેત તલાવડી બનાવવાના કામો કરવામાં આવે છે. અમરેલી જિલ્લામાં જળસંપત્તિ વિભાગ હસ્તકના પંચાયત સિંચાઈ ખાતા દ્વારા ૬૦.૨૦ લાખના ખર્ચે ૫૬ કામો, જળ સિંચન ખાતા દ્વારા ૧૩.૧૧ લાખના ખર્ચે ૩૩ કામો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ૩૮.૮૪ લાખના ૫૨૭ કામો, વોટરશેડ દ્વારા ૩૪.૨૩ લાખના ખર્ચે ૪૦ કામો, પાણી પુરવઠા ખાતા દ્વારા ૫.૫૯ લાખના ખર્ચે ૩૦ કામો અને વિવિધ નગરપાલિકાઓ દ્વારા ૪૫.૩૦ લાખના ખર્ચે ૬૫ કામો એમ કુલ મળી સમગ્ર અમરેલી જિલ્લામાં ૬.૬૪ કરોડના ખર્ચે ૭૫૨ કામો હાથ ધરવામાં આવનાર છે. છેલ્લા ચાર વર્ષ એટલે કે ૨૦૧૮થી લઇ અત્યાર સુધીમાં સુજલામ સુફલામ જળ અભિયાનના ચાર તબક્કાઓ પૂર્ણ કરી ૩૬૨.૪૪ લાખના ખર્ચે ૨૮૭ ચેકડેમ તથા ૨૨૨.૪૫ લાખના ખર્ચે ૧૬૮ તળાવો ઊંડા ઉતારવામાં આવ્યા છે. જેના લીધે ૨૦૧૮માં ૫૮.૩૦ કરોડ લીટર, ૨૦૧૯માં ૩૬.૨૭ કરોડ લીટર, ૨૦૨૦ માં ૫૮.૫૬ કરોડ લીટર, ૨૦૨૧ માં ૪૧.૮૨ કરોડ લીટરની પાણીની સંગ્રહ શક્તિમાં વધારો થયો છે.
બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વિશાલ સક્સેના, નોડલ અધિકારી પાડવી, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર એ. બી. રાઠોડ તેમજ પાણી પુરવઠા, નગરપાલિકા, વન જેવા વિવિધ વિભાગોના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
